સેબીના ભૂતપૂર્વ વડા માધવી બુચ સામે FIR દાખલ કરવાનો કોર્ટનો આદેશ

મુંબઈની એક વિશેષ અદાલતે કથિત શેરબજાર ફ્રોડ અને નિયમનકારી ઉલ્લંઘનના કનેક્શનમાં શેરબજારની નિયમનકારી સંસ્થા  સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ માધબી પુરી બુચ અને અન્ય પાંચ અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવાનો ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી)ને આદેશ આપ્યો હતો.કોર્ટના આદેશ અંગે સેબીએ જણાવ્યું હતું કે તે આ આદેશને પડકારવા માટે યોગ્ય કાનૂની પગલાં લેશે અને તમામ બાબતોમાં યોગ્ય નિયમનકારી પાલન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

ગયા વર્ષના ઓગસ્ટમાં અમેરિકા સ્થિત શોર્ટ સેલર હિન્ડનબર્ગના હિતોના ટકરાવના આરોપનો સામનો કરનારા માધવી બુચે હજુ શુક્રવારે જ સેબીના વડા તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.

સ્પેશિયલ ACB કોર્ટના જજ શશિકાંત એકનાથરાવ બાંગરે શનિવારે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે નિયમનકારી ક્ષતિઓ અને મિલીભગતના પ્રથમદર્શી પુરાવા છે, જેના માટે નિષ્પક્ષ તપાસ જરૂર છે.આરોપો એક ગંભીર ગુનાનો સંકેત આપે છે અને તેની તપાસ જરૂરી છે. તપાસ એજન્સીઓ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની નિષ્ક્રિયતાને કારણે CrPC (ક્રિમિનલ પ્રોસિજર કોડ)ની જોગવાઈઓ હેઠળ ન્યાયિક હસ્તક્ષેપ જરૂરી છે.
માધવી બુચ ઉપરાંત કોર્ટે BSEના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદરરામન રામામૂર્તિ, તેના તત્કાલીન ચેરમેન અને જાહેર હિતના ડિરેક્ટર પ્રમોદ અગ્રવાલ તથા સેબીના સંપૂર્ણકાલિન ત્રણ સભ્યો અશ્વની ભાટિયા, અનંત નારાયણ જી અને કમલેશ ચંદ્ર કમલેશ ચંદ્ર વર્શ્નેયનો સમાવેશ થાય છે. કોર્ટે જણાવ્યું હતું કે તે તપાસ પર નજર રાખશે. કોર્ટે 30 દિવસમાં સ્ટેટસ રીપોર્ટ પણ માંગ્યો છે.

આ કેસમાં ફરિયાદી સપન શ્રીવાસ્તવ (47) મીડિયા રિપોર્ટર છે. તેમણે આરોપીઓના કથિત ગુનાઓની તપાસની માંગ કરી હતી. આ આરોપો સેબી એક્ટ, 1992 અને તેના હેઠળના નિયમોનું પાલન કર્યા વગર શેરબજારમાં એક કંપનીના લિસ્ટિંગ સંબંધિત છે. ફરિયાદીએ દાવો કર્યો હતો કે સેબીના અધિકારીઓ તેમની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં તથા નિર્ધારિત નિયમોનું પાલન ન કરીને કંપનીના લિસ્ટિંગની મંજૂરી આપીને કોર્પોરેટ ફ્રોડ કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *